Sunday, November 26, 2006

મારી જરૂરત રહેશે -બેફામ

મહોબ્બતની મહેફિલ હશે ત્યાં જશું દિલ,
મગર આપણી વાત અંગત રહેશે,
અગર બોલશું તો થશે એ કહાની,
નહીં બોલશું તો હકીકત રહેશે.

તરસને તજી દેવી એ પણ નશો છે,
મને એ નશો તો અવિરત રહેશે,
શરાબી સમી કોઇ આદત વિના પણ
શરાબી સમી રોજ હાલત રહેશે.

ભલે કોઇ શયતાન જેવું રમી લે,
છતાં સ્થાન મારું સલામત રહેશે,
હું ભટકીશ જગમાં છતાં મારે માટે,
હતી જેમ એમ જ એ જન્નત રહેશે.

વિકટ મારી જીવનસફરમાં તમે જે,
નથી સાથ દીધો એ સારું કર્યું છે,
તમે છો સુખી એટલી કલ્પનાથી,
મને સૌ મુસીબતમાં રાહત રહેશે.

અમે મૌન રાખી પ્રણયની સભામાં,
કરી ક્રાંતિ રૂસ્વાઇઓની પ્રથામાં,
હવેથી અમે પણ ન બદનામ થાશું,
હવેથી તમારી ય ઇઝ્ઝત રહેશે.

પ્રણય પોતે એવો અમર ભાવ છે જ્યાં,
જરૂર નથી કોઇ કુરબાનીઓની,
અમે એકબીજાનાં બનીને ન રહેશું,
છતાંયે અમારી મહોબ્બત રહેશે.

જીવનમાં નથી કોઇને પણ નડ્યો હું,
એ પુરવાર કરવું છે મારે મરણથી,
બધા માર્ગથી પર રહ્યો છું હું એમજ,
બધા માર્ગથી દૂર તુરબત રહેશે.

જીવન એવું બેફામ સારું જીવ્યો છું,
કે મારે જ રડવું છે મારા મરણ પર,
જગતને સદા સાલશે ખોટ મારી,
જમાનાને મારી જરૂરત રહેશે.

1 comment:

Arpit Macwan said...

પ્રણય પોતે એવો અમર ભાવ છે જ્યાં,
જરૂર નથી કોઇ કુરબાનીઓની,
અમે એકબીજાનાં બનીને ન રહેશું,
છતાંયે અમારી મહોબ્બત રહેશે.

what a beautiful thought..
thanks poo for that one!!