Thursday, December 14, 2006

હૈયાના હેતને ન રોકશો - જ્યોત્સ્ના શુક્લ.


હૈયાના હેતને કદી ન કોઇ રોકશો,
રોકશો તો ઊલટાં ફસાશો, હો વહાલાં !
હૈયાના હેતને કદી ન કોઇ રોકશો.
મીઠી એ ભાવના ને આશભર્યા ઊભરા,
રોકશો તો ઊલટાં મૂંઝાશો, હો વહાલાં !
રોક્યા રોકાય નહિ, બાંધ્યા બંધાય નહિ,
ઢાંકશો તો ઊલટાં ભીંજાશો, હો વહાલાં !
કૂવાતળાવ ને સરોવરો ઉલેચશો ;
જલધિનાં નીર કેમ શોષશો ? હો વહાલાં !
ક્યાંથી આવ્યાં ને ક્યાં થોભશો, ન પૂછશો ;
સાગરનું મૂળ ક્યાં શોધશો ? હો વહાલાં !

Friday, December 01, 2006

પ્રેમ - એઇલીન કેડી



મને એક તોતિંગ દરવાજો દેખાડવામાં આવ્યો. એનાં મિજાગરાં સખત થઇ ગયાં હતાં. તેથી એને ઉઘાડવાનું ઘણું અઘરું હતું.


પછી મેં મિજાગરાં પર તેલનાં થોડાં ટીપાં ઊંજાતા જોયા. દરવાજો ધીરે ધીરે હળવો થતો ગયો અને છેવટે તો આંગળીના જરા-શા સ્પર્શથી ઊઘડી શકે એવો થઇ ગયો.

મેં શબ્દો સાંભળ્યા :

” પ્રેમનું તેલ વધુ ને વધુ વાપરો . કારણ કે પ્રેમ હળવાશ લાવે છે. પ્રેમ જ હંમેશાં રસ્તો ખોળી કાઢશે. તમારું હૃદય ઉઘાડો અને પ્રેમને મુક્તપણે વહેવા દો.”

- એઇલીન કેડી


Eileen Caddy is one of my favourite. I was too impressed by kundnika kapadiya for her book "param samipe" and when i got this book opening doors within... by eileen i was extreamly excited as it was written by her nd was translated by Isha kundnika .. daughter of kundnika kapadiya..

અસ્તિત્વનાં ટુકડા

સવારે ઉઠીને મેં અરીસામાં જોયું, તો આ શું?
સામે કેમ હું દેખાતી ન્હોતી?!!
હું વિચારી રહી…!
અરીસામાં ખુદને શોધવા મથી રહી…
અને એજ મથામણમાં પહોંચી ગઇ
અરીસાની પેલે પાર હું…
સંભારણાની બે પાંખો ફૂટી આવી હતી મને,
અને હું ઉડી રહી હતી…
અતીતનાં દેશમાં,
પ્રણયપ્રદેશમાં,
ખુદની ખોજમાં…
એક ટુકડો જોયો મેં મારો,
પેલા સૂના સૂના દરિયા કિનારે…
એક સિંદુરી સાંજ પણ લઇને ફરતી હતી
મારો બીજો ટુકડો …
એક ટુકડાનો પહેરો ભરતી હતી
પેલી શ્વેતવર્ણી ચાંદની…
રાતની એ મહારાણી પાસે પણ હતા
મારાં થોડાં ટુકડાઓ…
અને પ્રણયપ્રદેશનો પેલો રાજપથ?!
એ તો આખોય ભર્યો પડ્યો હતો,
બાકીના બધા જ મારા ટુકડાઓથી…
થયું, લાવ ભેગા કરીને લઇ જાઉં,
એ બધાયને મારી સંગ…
મેં એમને વીણવાની ચેષ્ટા કરી, પણ આ શું?
જ્યાં જ્યાં એક એક ટુકડો પડ્યો હતો,
ત્યાં ત્યાં ભાળ્યું મેં મારું એક સમગ્ર અસ્તિત્વ !
અને એ દરેકે મને ના પાડી,
મારી સંગ આવવાની…
કારણ… કે હું જ એમને ત્યાં ભુલીને આવી હતી !
એક ગુનેહગારની જેમ હું ખાલી હાથે પાછી ફરી…
અરીસાની આ પાર આવીને જોયું તો-
પથારીમાં પડેલી,
પેલી ચાદરની સળોમાં,
પ્રિતમની બાજુમાં,
આળોટતું હતું મારું-
એક નવું અસ્તિત્વ!
મને થોડી કળ વળી…
મેં એને પુછ્યું, “તું તો રહેશે ને હંમેશ મારી સંગ?”
એણે એના અપલક મૌનથી મને કશુંક કહ્યું, પણ…
મને હવે કશું જ સંભળાતું ન્હોતું !
હું તો સરી રહી હતી ફરી ક્યાંક…
એનાથી ય દૂર દૂર…
ખુદની ખોજમાં… !!


ઊર્મિસાગર