Friday, September 29, 2006

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
કે તારી જગા એ જીભ પર
હવે એનું નામ આવ્યું છે...

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
કે લોકો કહે છે
મારી તકદીરના ઘરેથી
મારો પયગામ આવ્યો છે...

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
આ નસીબ ધરતીનું
કે એના સૌંદર્યની લીલા તમામને
ખુદાની એક સલામ આવી છે...

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
આ દિવસ મુબારક છે
કે મારી જાત પર
હવે ઈશ્કનો આરોપ આવ્યો છે...

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
નજર પણ ચકિત છે
કે આજે મારા રસ્તામાં
આ કેવો મુકામ આવ્યો છે.

-અમૃતા પ્રીતમ
એક રાત્રે
હુ અને એ
દરિયા કિનારે
બેઠા હતા,
હાથ મા હાથ
આન્ખો મા આન્ખો,
અનિમેષ નયન
એક બીજા ને
જોતા…
પછી
ઇશારા થી
મૌન વાતો
ને
બીજુ ઘણુ બધુ…
ત્યા
એકા એક
લાગણી નુ
મોજુ
ભીજવી ને….
આન્ખ ઉઘડી…
ચોળી ને જોયુ
તો
સપનુ -
એક
અધુરુ
“અર્ષ “
વિચારેલુ
સપનુ!!!!!!!!!!!
હઝલસંગ્રહ – કિરણ ચૌહાણ
સ્કીમ છે

દોડવાની આમ તો આ સીમ છે
ભાગવાની પણ અહીં તાલીમ છે

એક ભૂલ માટે તમાચા ત્રણ પડે,
એક પર બે ફ્રીની અહીંયા સ્કીમ છે

કાયમી શરદીનો હું દર્દી થયો,
આપના શબ્દો તો આઈસ્ક્રીમ છે

નામ શું દેવી તમારા ધામનું ?
અંકલેશ્વર, કોસંબા કે કીમ છે ?

હું હઝલ કહું છું છતાં હસતાં નથી,
ટ્યુબલાઈટ આપની શું ડીમ છે ?
તને ચાહું છું એટલે હું
ઓગળતો રહ્યો છું સતત -
બરફની જેમ,
પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.
કદાચ,
તને ચાહવું એટલે…
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાની
ઘટના હશે…!
તને ચાહવું એટલે…
વૃક્ષ થઇને ફળ્યા વગર
રહી જવાની ઘટના હશે…!
કે પછી -
તને ચાહવું એટલે
ભર વસંતે
પાનખરનો અભિશાપ હશે…!!!
- તને હું પૂછી શકું…
કે તને ચાહવું એટલે ?!
એક વાર –
મારા હ્રદયની
ધરતી પર પડેલાં
તારા અહેસાસનાં ટીપા,
અને એમાંથી
વારંવાર
પસાર થયેલાં
તારી યાદનાં
કિરણોએ
મેઘધનુષી
રંગોથી રંગેલું
મારા અંતરનું
આકાશ –
– હજીયે અકબંધ છે!
સંબંધની
બટકણી ડાળ પરથી
ખરતાં રહ્યાં
મારાં સપનાઓ
એક પછી એક...
હવે
થાક લાગે છે
નવા ફળદ્રુપ પ્રદેશની શોધમાં
ભટકવાનો...
સમ્બન્ધની મોસમના
પહેલા વરસાદમા
આપણે ભિજાતા હતાં ત્યારે -
મને કયાં ખબર હતી કે,
તં 'રેઈનકોટ' પહેયો છે!!!
પ્રેમ કરું છું - સુરેશ દલાલ


‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.

‘કહ્યા પછી શું ?’ ની પાછળ
શંકા અને આશા,
શબ્દો વરાળ થઈને ઊડે
ભોંઠી પડે ભાષા.

દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત,
’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

પ્રેમમાં કોઈને પૂછવાનું શું :
આપમેળે સમજાય,
વસંત આવે ત્યારે કોયલ
કેમ રે મૂંગી થાય ?

આનંદની આ અડખેપડખે અવાક્ છે આઘાત,
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.
[ યાદગાર શેરોના સર્જક – ‘મરીઝ’ સાહેબના કેટલાક લોકપ્રિય શેરોનું સંકલન ]

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

એના ઈશારા રમ્ય છે, પણ એનું શું કરું-
રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે !

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં.


એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’ !
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

હું કયાં કહું છું, આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એ ‘ના’ કહીને સહેજમાં છટકી ગયાં ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

એ દ્વાર પરના હળવા ટકોરા તો રદ ગયા,
શાયદ એ સાંભળી લે જો માથું પછાડીએ.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી,
જાણે કોઈ કહે મને તારી તમા નથી.

એક પળ એના વિના તો ચાલતું નહોતું, ‘મરીઝ’
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.

ફળી છે જે જે આશા, તેના મેં અંજામ જોયા છે,
હવે કાંઈ ખાસ દુ:ખ જેવું નથી થાતું નિરાશાથી.

છે તેથી મારી હરેક વાતમાં પરેશાની,
પવિત્ર દિલ દીધું, જીવન ખરાબ આપીને !

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

હવે એની ઉપરથી આપ મારી દુ:ખ કથા સમજો,
જવાનીમાં કરું છું યાદ વીતેલી જવાનીને.

મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં,
‘મરીઝ’, એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધેકાંધે,
જીવન પણ ગયું છે સહારેસહારે.
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી, ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

સુખની આખી અનુક્રમણિકા
અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે,
કેમ બચાવો દર્પણ… તમે જિંદગી…

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં
ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને
પીડા નામે વળગણ…. તમે જિંદગી…..
આયનાની એક મર્યાદા અહીં ખુલ્લી પડી,
એક પણ પ્રતિબિંબને એ સાચવી શકતો નથી.

=================================================

જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે,
થોડું જો ચિંતન કરો તો એ કવિતા થાય છે.

=================================================

થોડા ઝઘડા છે છતાં પરવા નથી,
આપણી વચ્ચે મહોબત ક્યાં નથી !

=================================================

ભૂલવા જેવું ય હું ભૂલ્યો નથી,
યાદ કરવા જેવું તો તું યાદ કર !

=================================================

બે જ પળની જિંદગી છે તો ય જીવાતી નથી,
એક પળ ખોવાઈ ગઈ છે, બીજી સચવાતી નથી.

=================================================

આખીય જિંદગી તને અર્પણ કરી છતાં,
આપી નહીં શકાય ઘણીવાર એક પળ.

=================================================

એવો પડ્યો પ્રભાવ… તમારા અભાવનો !
મારા સ્વભાવમાંથી અહંકાર પણ ગયો.

=================================================
સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
'તને ચાહું છું હું' બસ આટલી ટાંચણ મળી આવે

ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે

ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે

ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટીમાં
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે

(poet unknown.. please let me know if you know name..)
ડૉ. રઈશ મનીઆર
દીવાનગીની હદ સુધી મુજથી ન જવાયું
ટળવળતું રહ્યું સ્વપ્ન ફરી એક નમાયું

તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો
એક પાનું જો કે સાવ તેમાં કોરું રખાયું

કાંટા હવે ખૂંચે છે તો ઘા પણ નથી પડતા
ક્યારે તે રુઝાયું છે જે ફૂલોથી ઘવાયું

તારી સ્મૃતિ તારા જ વિચારો અહીં દાટ્યા
ને નામ કબર પર છતાં મારું જ લખાયું

ઇતિહાસ લખાયો તે ઘડી નામ કોઇનું
સગવડતાભરી રીતે 'રઈશ' ભૂલી જવાયું
Mine and my dad's favourite gujarti song!!!!

દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહિ ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શક્યું સુમન, પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જિંદગી ! કહો એને પ્યારની જિંદગી,
ન રહી શકાય જીવ્યા વિના ! ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો, હે અશ્રુઓ, ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી, તો હ્રદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીના ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઇએ જીવન સુધી.
જો હ્રદયની આગ વધી 'ગની', તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી,
કોઇ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

(I still remember me and daddy were singing this song loudly in backyard of our home in summer!!!)
જવાહર બક્ષી
તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી... તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
“‘સૂર’ ની મહેફીલ – સુરેશ એમ. પરમાર ‘સૂર’”એક પરીક્ષા

હાથમાં કિતાબ રાખી, ચહેરો મારો વાંચતાં;
એમને જોયાં હતાં મેં, એક પરીક્ષા આપતાં.

પાસ કે નાપાસની, એ વાત નહોતી એટલે;
પાસપાસે બેસી રહ્યાં, દૂરનું કંઈ માપતાં.

દુનિયાને હરાવવાની, હોડમાં તમે હતાં;
લો અમે થાકી ગયા, પાછળ પાછળ આવતાં.

મુક્ત જો થવાય ‘સૂર’, ખુદના બંધન થકી;
જોર જરા પડશે નહીં, બીજું બંધન કાપતાં.
પ્રતીક્ષા – ‘મરીઝ’

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો,
છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,
કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની,
કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,
સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે,
ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,
તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો,
થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,
હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,
તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,
ફકત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે,
નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.
આવ્યો છું તારે દ્વાર હું પરવાનગી વગર,
મારું ટકોરો કેવી રીતે આંગળી વગર
– ભગવતીકુમાર શર્મા

મળવાનું મન કરે અગર ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી ચણી નથી !
– મકરંદ મુસળે

ઘરની ભીતર તો શૂન્યતા વ્યાપી છે એવી કે
ભાગી જવાને ક્યાંક વિચારે છે બારણું !
– મનોજ ખંડેરિયા

જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે ‘ગની’
હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે !
– ગની દહીંવાલા

પહેલા ચમનમાં ક્યારે હતી આટલી મહક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે !
– આદિલ મન્સૂરી


હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી
હું માગુંને તું આપી દે એ વાત મને મંજૂર નથી !
– નાઝિર દેખૈયા

કેટલી નાજુક ઘડી એ જિંદગીના દાવની,
જીત પર બાજી હતી ને હારવાનું મન હતું !
– મૂળશંકર ત્રિવેદી

મને એ જોઈને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે !
– શયદા

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’
ચુકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે !
– મરીઝ

ઘણું સારું થયું મારા સુધી આવ્યા તમે સાંઈ,
ચરણ લઈ ચાલવા જેવું નહોતું જોર મારામાં !
– હરજીવન દાફડા

એ નિશાની છે ખલીલ એક મિત્રની,
એટલે એ ડાઘ મેં ધોયો નથી !
– ખલીલ ધનતેજવી

એટલે ‘આશિત’ નથી મેં બંધ દરવાજા કર્યા,
દર્દ જે હમણા ગયાં, પાછા વળે તો શું કરું ?
– આશિત હૈદરાબાદી

આજ સુધી તો મશાલ સળગી,
હાથ સળગવો શરૂ થયો છે !
– સતીશચંદ્ર વ્યાસ

હાથથી સરકી પડેલો એક સિક્કો શોધતાં,
એક સોડમ સાંપડી છે ઘૂળને ધોયા પછી !
– હરકિશન જોષી

પગલાં પૂજાય એવું ગમન હોવું જોઈએ,
સમજાય છે કે કેવું જીવન હોવું જોઈએ ?
– રતિલાલ ‘અનિલ’

મિલનની એ ક્ષણોનું શી રીતે વર્ણન કરૂં સાથી ?
મજા જે જાણવામાં છે, સમજવામાં નથી હોતી !
– ચંદ્રા જાડેજા

સરળ શબ્દોનો સરવાળો મને ક્યાં લઈ ગયો અંતે,
વધુ પડતી નિકટતામાં ઘણી તકલીફ પહોંચી છે !
– પ્રફુલ્લ નાણાવટી

referece :http://www.readgujarati.com/SahityaMaster.asp
હું કોઈ જવાબ દઉં – હેમંત ધોરડા


ન મને તું કોઈ સવાલ કર ન તને હું કોઈ જવાબ દઉં
મને મોગરા વિશે તું પૂછે તને હાથમાં હું ગુલાબ દઉં.

હું ભીનાશ ઓસથી બાદ પણ કરું તોય શેષ રહે ભીનાશ
દે મને ભીનાશ ગણી ગણી તને ઓસનો હું હિસાબ દઉં.

શું પર્ણ ખરેલું શું રણ વળી રહી સાથસાથ વસંત શી
તું સુવાસ દે મને ખોબલે હું વણીને વાંસની છાબ દઉં.

આ સમય સૂસવતો મને તને કરી દેશે હમણાં અલગ થલગ
દે પતંગિયાનું વજન મને તને વાદળોનો હું દાબ દઉં.

તું લિપિના લોચલચકમાં પણ તું પ્રગટ ગુપ્ત છે અર્થમાં પણ
મને તારો એક શબદ તું દે તને મારી કોરી કિતાબ દઉં.
સગપણ -પ્રબોધ જોશી


અમે મોર હોઈએ તો -
અમારાં ખરેલાં આંસુ વીણજો

વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું -
તમે વરસજો.

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.
Last night was really good one...
I was looking for some documents and i got my old poem collection diary....
It was like beautiful moment for me. I just left everything lying where it was and started reading all the poems.. to my surprise the poems which i read before 10-11 years are still popular... Its truely said that you can kill person not his thoughts..
thougths live forever...
It has mine soo many scattered sweet memories inside small piece of thoughts i used to write by myself and collect from the books i read, autographs of gujarati authors i met and few pics and so much.. it was like trip to history for me.. i was able to see myself sitting on my bed at 1 in the night and writting in that diary:)
So it just made my day..:)

રેતીમાં
લખ્યું’તું
તારું નામ,
મેં
અમસ્તુ જ-
અને
સર્જાય ગઇ’તી
એક રેખા,
મારી હથેળીમાં!

Want to start with one of my favourite prayer..

આમ તો રોજરોજ અમે તમારી પાસે કંઈકને કંઈક માગતા હોઈએ છીએ, પ્રભુ ! પણ આજે હું કશું માગવા નથી આવ્યો. હું તો માત્ર, આ શાંત અંધારી રાતે, એકાંતમાં તમારી પાસે નિરાંતે બેસવા આવ્યો છું. અને આમ બેસવામાં મને કેટલું ઊંડુ સુખ છે તે કહેવા આવ્યો છું.કોઈ પણ સ્થુલ પ્રાપ્તિમાં જાણી ન હોય એવી એક અસીમ અવર્ણનીય શાંતિ મારી ઉપર ઉતરે છે.એક ઊંડી કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ જાય છે.તમને ચાહવાનું આ કેવડું મોટું સુખ તમે અમને આપ્યું છે ! મારા નેત્રો તમને નિહાળી શકતા નથી પણ મારું અસ્તિત્વ તમારાંથી વ્યાપ્ત છે.મારા મસ્તક પર હું તમારો હાથ મુકાતો અનુભવું છું. મારા મોં ને અડતી આ હવામાં તમારો વત્સલ સ્પર્શ પામું છું.મારી કોઈ માગણી નથી, મને કશાની જરૂર નથી, હું માત્ર પ્રેમનું નિવેદન કરવા આવી છું. આ સભર એકાંતમાં, ભગવાન ! તમે છો ને હું છું. આનંદ અને તૃપ્તિની આ નીરવ શ્રદ્ધામય ક્ષણોમાં, પરમપિતા, હું તમારે ચરણે મારું હૃદય મુકું છું.