Friday, September 29, 2006

[ યાદગાર શેરોના સર્જક – ‘મરીઝ’ સાહેબના કેટલાક લોકપ્રિય શેરોનું સંકલન ]

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

એના ઈશારા રમ્ય છે, પણ એનું શું કરું-
રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે !

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં.


એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’ !
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

હું કયાં કહું છું, આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એ ‘ના’ કહીને સહેજમાં છટકી ગયાં ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

એ દ્વાર પરના હળવા ટકોરા તો રદ ગયા,
શાયદ એ સાંભળી લે જો માથું પછાડીએ.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી,
જાણે કોઈ કહે મને તારી તમા નથી.

એક પળ એના વિના તો ચાલતું નહોતું, ‘મરીઝ’
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.

ફળી છે જે જે આશા, તેના મેં અંજામ જોયા છે,
હવે કાંઈ ખાસ દુ:ખ જેવું નથી થાતું નિરાશાથી.

છે તેથી મારી હરેક વાતમાં પરેશાની,
પવિત્ર દિલ દીધું, જીવન ખરાબ આપીને !

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

હવે એની ઉપરથી આપ મારી દુ:ખ કથા સમજો,
જવાનીમાં કરું છું યાદ વીતેલી જવાનીને.

મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં,
‘મરીઝ’, એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધેકાંધે,
જીવન પણ ગયું છે સહારેસહારે.
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી, ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

No comments: