Wednesday, July 25, 2007

મારા હિસ્સાનો સૂરજ-ગૌરાંગ ઠાકર

કોયલ કમાડે આવીને ટહુક્યા કરે છે રોજ,
અફસોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

આભને પણ છે વિચારોના દુઃખો,
ક્યાં રહે પળવાર પણ વાદળ વગર?

આવી ઝરૂખે જ્યાં તમે બસ ‘આવજો’ કહ્યું,
આગળ ચરણ ગયાં નહીં, પાછા વળી ગયાં.

સપના સુધી તો આવશો એ ધારણા હતી,
પણ આપ તો ખરા છો કે પાંપણમાં રહી ગયાં.

હું સાંકડી ગલીમાં રસ્તા કરી જવાનો,
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો.

હું છું જ કૈંક એવો, તું છોડ આ પ્રયત્નો,
તું ભૂલવા મથે ને, હું સાંભરી જવાનો.

હોવાપણું ઓ ઈશ્વર, તારું વિવાદમાં છે,
મારી તરફ હું તેથી, પાછો વળી જવાનો.

હું તો માણસ છું, મને છે વળગણો,
રોજ મનને અવગણીને શું કરું?

કોઈ મારા ઘર વિશે જાણે નહીં,
એટલી ભીંતો ચણીને શું કરું ?

હવે તું સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે,
કિરણ લાવ્યો છું બસ, સૂરજ ઘરે લાવી નથી શક્તો.

પડછાયાની પૂજામાં રમમાણ રહે તું જીવનભર,
તારું તારી વચ્ચે હોવું ક્યાંક તને સમજાઈ જશે તો ?

તું રહે ખારો એ તારો પ્રશ્ન છે,
કેટલી નદીઓ તને મળતી હતી.

અહીં સીધા રસ્તા મળી જાય તો પણ,
કદી આપણી ચાલ લાવે વળાંકો.

ક્યાં અપેક્ષા હોય છે આભારની?
વૃક્ષ પર વરસાદની તક્તી નથી.

આ ઝાકળ સમું મળવું લંબાય માટે,
આ ઊગતા સૂરજને હું મોડો કરી દઉં.

કોઈ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે.

મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું.

તું આવ હે ગઝલ તને આજે ઉતારી લઉં,
કાલે કદાચ દર્દની ઓછી અસર મળે.

છોડી દીધો આભે જ્યારે રસ્તા ઉપર ઝાડે ઝીલ્યો,
પર્ણોની પોલી બારીથી લીલો લીલો દદડે તડકો.

સોબત એને દુનિયાની છે છળવામાં કૈં છોડે થોડો ?
સહરા વચ્ચે મૃગજળ થઈને માણસને પણ ઢસડે તડકો.

મારી ડાળે વસંત બેઠી છે,
ઘરમાં બેસી તમે ગુમાવો છો.

સતત કોઈ અંદરથી બોલી રહ્યું છે,
તને તું કદી સાંભળે તે ખુશી છે.

લગાતાર આવી મળે છે ઉદાસી,
અને રોજ ઓછી પડે તે ખુશી છે.

બધું આ બ્હારથી તો ઠીક છે બદલાવ તું ભીતર,
અરીસો આખરે બોલી ઊઠ્યો છે બ્હાર આવીને.

ઈચ્છા અને તડપ પર, ગઝલો લખું તો લાગે,
સામાન વરસો જૂનો, હું માળ પરથી ઉતારું.

એ પ્રશ્ન માછલીનો, દરિયો છળે કે માણસ ?
જ્યારે કિનારે એને, હું જાળથી ઉતારું.

સદા પાળ બાંધી હું વચ્ચે રહું છું,
સરોવરનું જળ છું વમળ હોય ક્યાંથી?

તને સ્વપ્નવત્ આમ મળવું ઘણું છે,
પ્રભાતે ભલે આપે આઘાત સપનાં.

માણસ પ્હોંચે માણસ લગ,
ઉજવી નાંખો એ અવસર.

હવાને ન ફાવ્યા હવા-પાણી ઘરનાં,
જતી શ્વાસ થઈ, નીકળે થઈ નિઃસાસો.

નીકળીને પુષ્પથી હવે અત્તર થવું નથી,
માણસ થવાય દોસ્ત તો ઈશ્વર થવું નથી.

તારામાં શોધશે પછી વૃક્ષો વસંતને,
બસ શર્ત એટલી હશે, બારી ઉઘાડ દોસ્ત.

સુખમાં દુનિયાની જ સંગત જોઈએ,
દર્દ કહેવા કોઈ અંગત જોઈએ.

જો ભીના થઈ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

સ્મરણ પંખી બની મુજ ટોડલે ટહુક્યા કરે તેથી,
તને સંબંધના પિંજરથી હું આઝાદ રાખું છું.

તું કલમનો હાથ પકડીને જરા ચાલી તો જો,
એ તને ત્યાં લઈ જશે જ્યાં પ્હોંચવાનું હોય છે.

પળભર મળી તું જાય તો લાગે છે એમ દોસ્ત,
ઝરણાં જતાં રહ્યાં અને પથ્થર રહી ગયા.

ફક્ત દેખાય એ જ થાક નથી,
કોઈ ભીતરથી આવે વાજ નહીં.

ઝાડ પહેલાં મૂળથી છેદાય છે,
એ પછીથી બારણું થઈ જાય છે.

એકલા આવ્યા જવાનાં એકલા,
પણ અહીં ક્યાં એકલા જીવાય છે ?

એ જ તોરણને રાખે લીલાંછમ,
દ્વાર જે આવકારમાં જોયાં.

સ્થિર થઈ જાય સ્વપ્ન તો સારું,
માંડ જીવનમાં ગોઠવાયો છું.

ભીડ વચ્ચે અભાવ લાગે છે,
એ જ તારો લગાવ લાગે છે.

તારું રોકાણ ક્યાં છે કાયમનું ?
જિંદગી તું પડાવ લાગે છે.

-ગૌરાંગ ઠાકર

Thursday, July 05, 2007

ગઝલ - હેમેન શાહ

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !

આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં,
દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે !

જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.

થાય છે મારું પ્રવાહીમાં રૂપાંતર એટલે,
નહિ તો ક્યાં વરસાદ સાથે વહી શકાતું હોય છે ?

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

-હેમેન શાહ