Tuesday, November 07, 2006

વિયોગ… જુદાઇ… વિરહ… - સંકલિત


શૂન્ય પાલનપુરી…

કિસ્મતમાં કોઇના, કદી એવી ન પ્રીત હો,
જેમાં મિલનના હોઠે જુદાઇનાં ગીત હો.

તમે ચાલ્યા ગયા સૂની કરી દિલની અટારીને,
અમે સ્થાપી છે ત્યાં મૂર્તિ સ્વરૂપે ઇંતેજારીને.

ઝંખના નિષ્ફળ જતાં ઊઠી ગયો વિશ્વાસ પણ,
મનને ભરમાવી નથી શકતો કોઇ પગરવ હવે.

તરછોડી ગયા છો તે દી’થી,
એકલતા તમાચા ચોડે છે.
યાદોની ભૂતાવળ પજવે છે,
ઘર અમને ખાવા દોડે છે.

ગની દહીંવાલા…

તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંશુ વહાવીને.

દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

મરીઝ…

ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.

‘આસિમ’ રાંદેરી…

વિરહમાં તમારા એ કોમળ વદનમાં,
ઘણા રંગ હું કલ્પનાનાં ભરું છું.
ન હોતે જુદાઇ તો કઇ વાત ઉપર,
તમારાથી પણ તમને સુંદર સમજતે!

હેમેન શાહ…

વાત એવી શું હશે વર્ષાની બરછટ છાંટમાં,
કે અચાનક યાદમાં ચહેરાનાં અતલસ ઊઘડે?

રમેશ પારેખ…

જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે,
તમે ગયાં છો, તમારાથી ક્યાં જવાયું છે!

શોભિત દેસાઇ…

ઊગતું’તું બધે જ તારું નામ,
શ્વાસમાં વાતમાં કે ખ્વાબોમાં.

કૈલાસ પંડિત…

કહેવા ઘણાયે, રાહથી, નીકળે છે, આમ તો,
કહેવાય એવા, કોઇની પણ, આવ જા નથી.

એકલો ગૂંથ્યા કરું છું, કંઇ કહાની, આજકાલ,
વાત હું ખુદથી કરું છું, કંઇક, છાની આજકાલ.

કવિ વિનય…

મિલનમાં તો ઘણીય વાર ભૂલી ગયો તને,
ઘડી એક જુદાઇની તારી યાદ વગર નથી !

કવિ ‘મેહુલ’…

એક આખી રાત જાચી છેવટે મધુ માસમાં,
પુષ્પનું પડ કોતર્યું છે એ જ લખવાનું તને.

સંજોગ સમય ને સ્થિતિ સર્વ છે છતાં,
હું કોનાં ગીત ગાઉં, તમારા ગયા પછી.

ઓ પ્રવાસી આવી એકલતા કદી સાલી નથી,
હું દીવાલે લીટીઓ દોરી નિસાસાઓ ગણું.

બરકત વિરાણી ‘બેફામ’…

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઇમાં,
કે નહોતી રાત જુલ્ફોની, વદનની ચાંદની નહોતી.

તમારું સ્વપ્ન એ રીતે નયનનો ભાર લાગે છે,
વિરહમાં જાણે કે છૂપા મિલનનો ભાર લાગે છે.

શીશ પટકીને તમારું આંગણું મૂકી ગયા,
રક્તથી રંગેલ એક સંભારણું મૂકી ગયા.

તમે એક વાર જેને રાત દઇ જાઓ છો જીવનમાં,
દિવસ મળતો નથી એને સૂરજની રોશનીમાંથી.

મનહર મોદી…

મારા વિશે કશુંય વિચારી શકું નહીં,
મારા બધા વિચારમાં તારી અસર હશે.

હર્ષદ ચંદારાણા…
તારા ગયાનો એક કાળો ડંખ છે,
રંગો બધા સળગી ગયા ઈંધણ વિના.

‘નાઝિર’ દેખૈયા…

સુમન જેવા તમે ને દિલ હતું મારું ચમન જેવું,
તમે ચાલ્યા ગયા એને કરી વેરાન વન જેવું.

કલાપી…

હતી જ્યાં વસ્લની ખ્વાહિશ મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું ?

શેખાદમ આબુવાલા…

જમાનાની મરજીનો આદર કરીશું,
વિખૂટાં પડીને મુલાકાત કરીશું.

તારાથી નજરને દૂર કરી આ રાત વીસરવા બેઠો છું,
એ વાત હવે તું રે’વા દે એ વાત વીસરવા બેઠો છું.

જીવનમાં કેટલાને મળ્યા છે ઉજાગરા,
પણ એકલા વિરહને ફળ્યા છે ઉજાગરા.

ક્ષણ ક્ષણ કરીને કેટલા યુગ વીતતા રહ્યા,
એ બેખબરને ક્યાં છે સમયની ખબર હજી.

ભગવતીકુમાર શર્મા…

(ગઝલ)

સુણતો રહું છું આપનો પગરવ ક્ષણે ક્ષણે,
આભાસનો પીતો રહું આસવ ક્ષણે ક્ષણે.

સરકી રહ્યો છે હાથથી પાલવ ક્ષણે ક્ષણે,
વધતું રહ્યું છે આંખનું આર્જવ ક્ષણે ક્ષણે.

તારા મિલનની ઝંખના માઝા મૂકી રહી,
જેનો ઘટી રહ્યો હવે સંભવ ક્ષણે ક્ષણે.

*

આપણે આપણાથી વિખૂટા પડ્યા,
જે કપાઇ ગઇ નસ તે ઘોરી હતી.

આંગણામાં જે મ્હોર્યો’તો એ ચંપો તો હવે ક્યાં?
ઊગર્યું જો કોઇ હોય તો પંખીને મળી લઉં.

આ કોના સ્મરણમાં થરથરતી દીવા કેરી શગ સળગે છે?
કે કડકડતા એકાંત વિષે એકલતા રગરગ સળગે છે?

યક્ષ હું, મેઘ હું, હું શાપ, વિરહ પણ હું છું,
હું જ હેલીમાં હસું, કણસું ઉઘાડોમાં હવે.

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચાઢી છે.

હનીફ સાહિલ…

કાચમાં તરડાયેલી અદૃશ્યતા,
પ્રેમના ખાલી નજારામાં ખૂલે.
પર્ણ થઇ પીળો વિરહ ખરશે અને
પત્ર માફક કોઇ તારામાં ખૂલે.

કૈલાશ પંડિત…

જાગું છું વિરહની રાતોમાં, એ વાત તમે તો જાણો છો,
બોલો ઓ ગગનના તારાઓ, કે હાલ અવરના કેવા છે?

પ્રફુલ્લ પંડ્યા…

ક્યાં સુધી ઇચ્છા લઇ જવી એ પણ કહો તમે,
ક્યાં જઇને એ ભૂલી જવી એ પણ કહો તમે.

થોડાંક આંસુઓને ક્ષિતિજ ઉપર લઇ જઇ,
એક રાત કેમ ભૂલી જવી એ પણ કહો તમે.

મનોજ ખંડેરિયા…

તારા વિચારમાંહી મને મગ્ન જોઇને,
ઊભીને શાંતીથી મને જોયા કરે સમય.

રાહી ઓધારિયા…

તારો અભાવ એવી રીતે પાળતો રહ્યો -
જાણે હિમાળો ઇચ્છા વગર ગાળતો રહ્યો!

તારા વિરહની કેવી ચરમ સીમા એ હશે -
જ્યાં હું મિલનને માર્ગ જવું ટાળતો રહ્યો!

હરીશ ધોબી…

મારી વ્યથાનો અર્થ જુદો છે તમામથી,
એની ખબર મને અને મારા શરીરને.

હરીન્દ્ર દવે…

જે જે હતી મિલનની વ્યથાઓ સહી લીધી,
ચાલો, હવે વિરહને સમજાવો કે હું નથી.

બદનામીઓ તો ઠીક ફરી પણ મળી જશે,
એકાદ લાગણી કદી અંગત હતી, ગઇ.

તારા પલકના પ્રેમની કથની છે આટલી,
દુનિયાની સાથે થોડી મહોબ્બત હતી, ગઇ.

શબ્દોમાં ઘૂંટતો રહું તારા વિરહનો કેફ,
ચકચૂર જો બનું તો મુલાકાત થૈ જશે.

ના મિલનનો કોલ છે કે ના વિરહની વેદના,
આ તે કેવું છે કે હું કારણ વગર જાગ્યા કરું.

અલગ થવાની વાત, મહોબ્બત થવાની વાત,
બંને છે છેવટે તો નજાકત થવાને વાત.

ભણકારો બને, છાયા બને કે બને પગરવ,
લઇ રૂપ જૂજવાં છળે તારા નગરની સાંજ.

શિવકુમાર સાઝ…

આ ઇંતજારની મઝા એટલી ગમી,
જોશું અમે તો રાહ તમારી પ્રલય સુધી.

દિલીપ પરીખ…

અકળાઇ જાઉં એવા અબોલા ના રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને.

તું આવશે નહિ એ હું જાણું છું, તે છતાં,
તું આવવાના ખોટા ઇરાદાઓ લખ મને !

વિયોગમાં દિલ ઝૂરે જ્યારે,
આસપાસ અકળાતી મોસમ.

તારા વિરહનું દુ:ખ છે એવું,
રડતું હૈયું કોરી પાંપણ !

અમૃત ‘ઘાયલ’…

આંસુ વિષાદનાં ન તો આવે છે યાદનાં,
ખૂટી ગયો છે જાણે ખજાનો વિયોગનો.

નથી હીણી થવા દીધી કદી એને જુદાઇમાં,
હતી બેનૂર તોયે આંખને ચક્ચૂર રાખી છે.

આંસુ નથી ઊનાં રડવાના આહ નથી કંઠે ભરવાના,
જીવ વિરહમાં જાય ત્યારે ભલે ફરિયાદ નથી કો’દિ કરવાના.

છોડને અય દિલ આશ મિલનની, છોને ખુવારી હો તનમનની,
પરવા નથી કરતા જીવનની જ્યોત ઉપર બળતા પરવાના.

કેવો ઉજાસ ઘર મહીં તારા ગયા પછી !
મારો દિવસ હંમેશને માટે ઢળી ગયો.

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ,
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ,
વિખૂટાં પડ્યાં તોય લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગરગમાં સરકે છે કોઇ.

‘સૈફ’ પાલનપુરી…

કોઇ પગલાં કોઇ પગરવ ન હતાં દૂર સુધી,
તોય મેં ઘરની સીમાઓને સજાવી રાખી,
આપ નહીં આવો, એ નક્કી જ હતું પણ મેં તો,
મારા હૈયાથી આ વાતને છાની રાખી.

હૈયું તો હજીય ધબકે છે - ના હોય ભલે પગરવ જેવું,
રૂપાળા મુસાફિરને કહી દો વેરાન ઉતારા જાગે છે.

આ વિરહની રાતે હસનારા તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નિભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે?

યૌવનમાં એક રેશમી સાહસ કર્યુ હતું,
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.

મેં તો વિયોગરાતમાં કલ્પી મિલનઘડી,
આખર તો દિલ હતું - મારે બહેલાવવું પડ્યું.

શું તમને વિરહ જેવું કંઇ જ જીવનમાં નથી આવ્યું?
નજીવા દુ:ખ ઉપર શાને નયન છલકાઇ જાયે છે!

જવાહર બક્ષી…

વિરહની રાતની હસ્તી છે મારા મૌન સુધી,
સૂરજની વાત કરીશ તો સવાર થઇ જશે.

* * *

ડૉ. વિવેક મનહર ટેલર…
મિત્ર વિવેકની ગઝલોમાંથી વણેલાં થોડાં શેર…

વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.

ચમનમાં એ પછી તો કેટલી આવી ગઈ મોસમ,
તમે તરછોડ્યું જેને એ કદી પામ્યું નહીં ફોરમ.

કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી,
મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં, બધી કોલમ.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?

* * *

આમ તો જાણે ‘થાય સરખામણી તો ઉતરતાં છીએ ‘, તોયે પ્રસ્તુત છે અહિં વિરહ પર લખેલ મારા મુકતકો/શેર…

ઊર્મિસાગર…
મારે લેવી છે વિરહ વેદનાથી વિરક્તિ,
કરવી છે બસ તારા પ્રેમની જ ભક્તિ,
પણ વિરક્તિ વિસરાવે ને ભક્તિયે ભૂલાવે,
કંઇક એવી છે તારા આ સ્મરણોની શક્તિ!

તારા વિરહના રણને હું નિચોવી શકું તોય શું મળે?
તારા સ્મરણનું એકાદ ઝરણ પણ હવે મળે ન મળે,
તારા સંભારણાનાં વનમાંથી હું લાવી હતી જે થોડાં,
તારા એ સંભારણાની ભાળ પણ હવે ક્યાંય ન મળે.

વિરહનું રણ જો આટલું વિસ્તર્યુ ન હોત,
મીઠી વીરડી જેવું શું મિલન લાગ્યું હોત?

તારા વિરહનાં રણમાં રોપ્યું’તું મેં મારું એક અશ્રુ-બિંદુ,
ને ઘૂઘવે છે હવે હર ઘડી જોને તારી ઊર્મિનો સાગર!

* * *

1 comment:

dr firdosh dekhaiya said...

હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.

જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.

—-ડો.ફિરદૌસ દેખૈયા