Tuesday, August 07, 2007
Njoy!
તમે હાથ હેઠા કરે દ્યો હવે,
કે સંબંધ તોડી શકતા નથી.
તમે ફોડી શકશો અરીસા કદી,
ચહેરાઓ ફોડી શકતા નથી.
- રમેશ પારેખ
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
- ધાયલ
ડગમગે છે એવી ક્ષણને શું કરું:
ઓગળી જાતાં ચરણને શું કરું.
કાળમીંઢી શક્યતા પલળે નહીં,
તો ભીનાં વાતાવરણને શું કરું.
- મનોજ ખંડેરિયા
મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા.
મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.
- શેખાદમ આબુવાલા
લાગણીની બીક લાગે છે મને
વાત એ પણ ઠીક લાગે છે મને
પાણીમાં ચહેરાને જોયો એ પછી
દર્પણો દાંભીક લાગે છે મને !
- ચિનુ મોદી
એવી આ બધી માયાને સમજી લઈએ
પહેલાં પ્રથમ આ દુનિયાને સમજી લઈએ
ઈશ્વર એ પછી સહેજમાં સમજાઈ જશે
એકવાર અમો પોતાને સમજી લઈએ
- ઓજસ પાલનપુરી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment