લાવને તારી આંખમાં મારી આંખ મૂકીને જોઉં,
એમ કરીને આજ હું તારા શમણાં જાણી લઉં.
એમ તને કે સુખની બારી આભના જેવડી ખૂલે,
ઝાડને બદલે ટહુકા તારે ટોડલે આવી ઝુલે.
વાયરાને હું વાત કરૂં ને ઘટતું કરવા કહું...
લાવને તારી આંખમાં...
યાદના ટોળાં આંખમાં તારી કરતાં રાતની પાળી,
આવતો સાયબો શમણે ત્યાં તો પાંપણ પાડતી તાળી.
ચાલને મારા ભાગની નીંદર તુજને આપી દઉં
લાવને તારી આંખમાં...
--Gaurang thakar
(From divyabhaskar ..)
Tuesday, August 07, 2007
Njoy!
તમે હાથ હેઠા કરે દ્યો હવે,
કે સંબંધ તોડી શકતા નથી.
તમે ફોડી શકશો અરીસા કદી,
ચહેરાઓ ફોડી શકતા નથી.
- રમેશ પારેખ
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
- ધાયલ
ડગમગે છે એવી ક્ષણને શું કરું:
ઓગળી જાતાં ચરણને શું કરું.
કાળમીંઢી શક્યતા પલળે નહીં,
તો ભીનાં વાતાવરણને શું કરું.
- મનોજ ખંડેરિયા
મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા.
મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.
- શેખાદમ આબુવાલા
લાગણીની બીક લાગે છે મને
વાત એ પણ ઠીક લાગે છે મને
પાણીમાં ચહેરાને જોયો એ પછી
દર્પણો દાંભીક લાગે છે મને !
- ચિનુ મોદી
એવી આ બધી માયાને સમજી લઈએ
પહેલાં પ્રથમ આ દુનિયાને સમજી લઈએ
ઈશ્વર એ પછી સહેજમાં સમજાઈ જશે
એકવાર અમો પોતાને સમજી લઈએ
- ઓજસ પાલનપુરી
Subscribe to:
Posts (Atom)