એમના પણને સાચવી લઈએ,
રેશમી ક્ષણને સાચવી લઈએ.
મૃગજળોનો ભરમ રહી જાએ,
એમ કૈં રણને સાચવી લઈએ.
આપમેળે થશે ખુલાસાઓ,
પહેલાં સગપણને સાચવી લઈએ.
એ જ અસલી છે આપણો ચહેરો,
એ જ દર્પણને સાચવી લઈએ.
તે પછીથી નિરાંતે ભીંજાશું,
ઓણ શ્રાવણને સાચવી લઈએ.
સ્વર્ગ ચાલીને આવશે સામે,
માના ધાવણને સાચવી લઈએ.
‘મીર’ પોતાને ખોઈ બેસીને,
માત્ર એક જણને સાચવી લઈએ.
Monday, June 04, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment