Tuesday, January 16, 2007

ન મને તું કોઈ સવાલ કર ન તને હું કોઈ જવાબ દઉં
મને મોગરા વિશે તું પૂછે તને હાથમાં હું ગુલાબ દઉં.

હું ભીનાશ ઓસથી બાદ પણ કરું તોય શેષ રહે ભીનાશ
દે મને ભીનાશ ગણી ગણી તને ઓસનો હું હિસાબ દઉં.

શું પર્ણ ખરેલું શું રણ વળી રહી સાથસાથ વસંત શી
તું સુવાસ દે મને ખોબલે હું વણીને વાંસની છાબ દઉં.

આ સમય સૂસવતો મને તને કરી દેશે હમણાં અલગ થલગ
દે પતંગિયાનું વજન મને તને વાદળોનો હું દાબ દઉં.

તું લિપિના લોચલચકમાં પણ તું પ્રગટ ગુપ્ત છે અર્થમાં પણ
મને તારો એક શબદ તું દે તને મારી કોરી કિતાબ દઉં.

No comments: