સવારે ઉઠીને મેં અરીસામાં જોયું, તો આ શું?
સામે કેમ હું દેખાતી ન્હોતી?!!
હું વિચારી રહી…!
અરીસામાં ખુદને શોધવા મથી રહી…
અને એજ મથામણમાં પહોંચી ગઇ
અરીસાની પેલે પાર હું…
સંભારણાની બે પાંખો ફૂટી આવી હતી મને,
અને હું ઉડી રહી હતી…
અતીતનાં દેશમાં,
પ્રણયપ્રદેશમાં,
ખુદની ખોજમાં…
એક ટુકડો જોયો મેં મારો,
પેલા સૂના સૂના દરિયા કિનારે…
એક સિંદુરી સાંજ પણ લઇને ફરતી હતી
મારો બીજો ટુકડો …
એક ટુકડાનો પહેરો ભરતી હતી
પેલી શ્વેતવર્ણી ચાંદની…
રાતની એ મહારાણી પાસે પણ હતા
મારાં થોડાં ટુકડાઓ…
અને પ્રણયપ્રદેશનો પેલો રાજપથ?!
એ તો આખોય ભર્યો પડ્યો હતો,
બાકીના બધા જ મારા ટુકડાઓથી…
થયું, લાવ ભેગા કરીને લઇ જાઉં,
એ બધાયને મારી સંગ…
મેં એમને વીણવાની ચેષ્ટા કરી, પણ આ શું?
જ્યાં જ્યાં એક એક ટુકડો પડ્યો હતો,
ત્યાં ત્યાં ભાળ્યું મેં મારું એક સમગ્ર અસ્તિત્વ !
અને એ દરેકે મને ના પાડી,
મારી સંગ આવવાની…
કારણ… કે હું જ એમને ત્યાં ભુલીને આવી હતી !
એક ગુનેહગારની જેમ હું ખાલી હાથે પાછી ફરી…
અરીસાની આ પાર આવીને જોયું તો-
પથારીમાં પડેલી,
પેલી ચાદરની સળોમાં,
પ્રિતમની બાજુમાં,
આળોટતું હતું મારું-
એક નવું અસ્તિત્વ!
મને થોડી કળ વળી…
મેં એને પુછ્યું, “તું તો રહેશે ને હંમેશ મારી સંગ?”
એણે એના અપલક મૌનથી મને કશુંક કહ્યું, પણ…
મને હવે કશું જ સંભળાતું ન્હોતું !
હું તો સરી રહી હતી ફરી ક્યાંક…
એનાથી ય દૂર દૂર…
ખુદની ખોજમાં… !!
ઊર્મિસાગર
Friday, December 01, 2006
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Thank you!
Post a Comment